ડાયાબિટીસ – શરીર અને જીવન માટે ખતરનાક દુશ્મન

ડાયાબિટીસ શું છે? એ સમજતા પહેલા સુગર અથવા શર્કરા શું છે એ જાણવું જરૂરી છે અને એને કાબુમાં રાખતું ‘ઇન્સ્યુલીન’ શું છે! એ જાણવું ય મહત્વનું છે.

આપણે રોજબરોજ ના ખોરાકમાં ઘણું ગળપણ ખાતા હોઈએ છીએ. શેરડીમાંથી પ્રોસેસ કરેલી ખાંડ હોય કે ગોળ. આ ઉમેરેલ ગળપણ થયા. આપડે કાર્બોહાઇડ્રેટ વાળી વસ્તુ ખાઈએ જેવી કે બ્રેડ, ફળો, બટાટા વગેરે, તો એમ કુદરતી શર્કરા હોય જ છે. એ જ્યારે પેટમાં પહોંચે ત્યારે ત્યાં રહેલા તેજાબ બોલે તો એસિડ વડે એનું વિઘટન થઈ જતું હોય છે, અહી ખોરાકમાં રહેલું ગ્લુકોઝ છૂટું પડી આંતરડામાં જમે થાય છે. આંતરડામાંથી ઉર્જા રૂપી ગ્લુકોઝ લોહીમાં પહોંચતુ હોય છે. જ્યારે શરીરને કાર્ય કરવાની જરૂર પડે ત્યારે તે કાર્ય કરવા જરૂરી ઉર્જા આ ગ્લુકોઝ પૂરી પાડે છે. શરીર માં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય ખરું! કે ઘટી પણ જાય ખરું! હા.

શરીરમાં આવેલું પેનક્રિયાસના આઈ-લેટ્સ નામના કોષો ‘ઇન્સ્યુલીન‘ નામક હોર્મોન ઉત્પન્ન કરતા હોય છે. ઇન્સ્યુલીન ઉત્પન્ન થાય બાદ શરીર ના કોષો પાસે જમા થાય છે અને ચોકીદાર ની જેમ ગ્લુકોઝ અને પ્રોટીનને કોષની દીવાલની અંદર દાખલ થવા દે છે. ઇન્સ્યુલિનની ગેરહાજરી કે ઉણપ ના કિસ્સામાં લોહીમાં રહેલું ગ્લુકોઝ જમા થયે જાય છે, જો લોહીમાં જરૂર કરતાં વધુ ગ્લુકોઝ રહે તો આગળ જઈને એ આંખને, હૃદયને તથા કિડનીને નુકશાન કરી શકે છે કે, કરે છે. ઇન્સ્યુલીન આ ગ્લુકોઝ લેવલને સાચવે રાખે છે.

ડાયાબિટીસ એ શરીરમાં ઉત્પન્ન થયેલી એક દુખદ ખામી કહી શકો. જ્યારે ઇન્સ્યુલિન લોહીમાં રહેલ ગ્લુકોઝને કોષો સુધી ના પહોંચાડી શકે ત્યારે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય – આ છે ડાયાબિટીસ.

ડાયાબિટીસ બે પ્રકારના હોય છે, ટાઈપ-1 અને ટાઈપ-2

ટાઈપ-1 પ્રકારનો ડાયાબિટીસ મોટાભાગે બાળકો અથવા યુવાનોને વધુ થતો હોય છે, મોટી ઉંમરના ને પણ થઈ શકે છે. આ પ્રકારના ડાયાબિટીસમાં, શરીરની રોગ પ્રતિકારક શક્તિ (જેનું કામ શરીરમાં દાખલ થયેલા બહારના ચેપ કે નુકશાનકારક તત્વો સામે લડવાનું છે) એ કોઈક અજ્ઞાત કારણથી શરીરના જ ભાગો સામે હુમલો કરી બેસે છે (આર્થ્રાઇટીસ જેવા અનેક રોગો અને તાજેતરમાં હેવોક મચાવી ગયેલા કોરોના), ડાયાબિટીસના કેસમાં પેનક્રિયાસ ના આઈસ-લેટ કોષોને મારી નાખે છે – પરિણામે, એ કોષો ધ્વારા ઉત્પન્ન થતું ઇન્સ્યુલીન રોકાઈ જાય છે. ઇન્સ્યુલીન ની ગેરહાજરીમાં લોહીમાં રહેલ ગ્લુકોઝને કોષો સુધી પહોંચવા ઇન્સ્યુલીન જે ચાવી વાપરી દરવાજો ખોલી આપતું હોય છે, એ કાર્ય નથી થતું. પરિણામે લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. આનો ઉપાય શું?! તો દર્દીને રોજ બહારથી ઇન્સ્યુલીન આપીને ગ્લુકોઝ કાબુમાં રાખવું પડે છે.

હવે બહારથી અપાતું ઇન્સ્યુલીન કેટલું આપવું? આનો આધાર વ્યક્તિના ખોરાક ઉપર, તે શારીરિક કસરત કેવી કરે છે એ તથા જીવનમાં તાણ કેટલી ઉત્પન્ન થવા દે છે એની ઉપર છે. આ તાણ બોલે તો સ્ટ્રેસ, ડાયાબિટીસ થયો હોય એટલે એની ચિંતામાં વધવાની શક્યતા ખરી જ. એ સિવાય બીજા કારણોથી તાણ ના આવે એનું પણ ધ્યાન રાખવું જ પડે.

ચાલો ટાઈપ-1 પ્રકારના ડાયાબિટીસ લક્ષણો જોઈ લઈએ.

  • તરસ ખૂબ વધી જાય
  • ભૂખ વધારે લાગે – કારણકે શરીરને જોઈતી ઉર્જા ના મળે એટલે શરીર ઉર્જા માટે વધારે ખોરાક માંગે
  • એકદમ અને વધારે વજન ઘટી જાય, કોઈ દેખિતા કારણ વગર
  • ચામડી ઉપર ખંજવાળ આવે
  • પેટમાં દુખે, ઊબકા આવે, ઊલટી થાય
  • આંખનું વિજન ધૂંધળું થાય
  • મોંમાંથી દુર્ગંધ આવે
  • પેસાબનું પ્રમાણ વધી જાય (બાળકો પથારી ભીની કરે)

ટાઈપ-2 પ્રકારનો ડાયાબિટીસ ઘણા બધાને થતો હોય છે.

આમાં વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલીન તો ઉત્પન્ન થતું જ હોય છે, એ દરવાજાની ચાવી લઇને ગ્લુકોઝને કોષની અંદર દાખલ કરવા પહોંચી પણ જતું હોય છે પરંતુ એની પાસે રહેલી ચાવી કામ નથી કરતી હોતી. અમુક ઇન્સ્યુલીન પોતાનું કામ કરી પણ શકે છે, બધા નહી. પરિણામે લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ અમુક સમયે વધવા માંડે છે. આ પ્રકારનો ડાયાબિટીસ સ્થૂળ અને બેઠાડું જીવન જીવતા લોકોને થવાને શક્યતા વધુ હોય છે.

આ ડાયાબિટીસ થયો છે એની નિશાનીઓ શું!? તો ઉપર ટાઈપ-1 માટે જે નિશાનીઓ લખી છે એ બધી અહી પણ લાગુ પડે. ઘણા લોકો આ નિશાનીઓ ને સિરિયસલી નથી લેતા. એમણે એમ હોય છે કે આતો વાતાવરણ ગરમ છે અથવા ખૂબ કામ કર્યું એટલે અથવા તો ઉમ્મર વધે છે (આ ડાયાબિટીસ મોટાભાગે 35 પછી થવાની શક્યતા હોય છે) એટલે આવું અનુભવે છે. આ ભૂલ છે – જે ભારી પડી શકે છે.

આ પ્રકારના ડાયાબિટીસ વાળા વ્યક્તિએ ખોરાક સુધારી, કસરતો કરીને, વજન ઉતારીને ગ્લુકોઝને કાબુમાં લેવું જોઈએ એમ છતાં જો લોહીમાં ગ્લુકોઝ વધારે રહે તો બહારથી ઇન્સ્યુલીન લઈને કાબૂ કરવું જોઈએ.

ડાયાબિટીસ વાળા વ્યક્તિએ ખોરાક કેવો લેવો જોઈએ? ક્યારે લેવો જોઈએ?

ખોરાકમાં ખાસ તો સ્ટાર્ચ લેવો જે રોટલી, ભાત, બિસ્કિટ (ખરા પરંતુ મલ્ટી ગ્રેન કે ઘઉના હોવા જોઈએ) માંથી મલસે.

ફળો જેવા કે કેળાં, સફરજન, દ્રાક્ષ લેવાય અને થોડું ડ્રાઈફ્રૂટ પણ લેવાય.

પ્રોટીન ખૂબ જરૂરી છે જે થોડા જ, 2 ચમચી જેટલા સીંગદાણામાં થી મળી શકે અને વિવિધ દાળમાંથી ય મળી શકે છે.

ડાયાબિટીસ થયો એટલે ગળપણ સાવ મૂકી દેવાનું! ના. કેમ કે, માણસને ગળપણનું વળગણ નાનપણથી હોય છે એટલે એમ ઝટ કેમ છૂટે? તો મધ લેવાય, જામ લેવાય, ક્યારેક એકાદી નાની ચોકલેટ ય લેવાય કે નાનો કપ આઈસક્રીમ ય ચાલે.

આ બધી વસ્તુમાં ફેટ હોય છે જે વળી શરીર માટે ઉપયોગી ય ખરા.

ડાયાબિટીસ વાળા વ્યક્તિ માટે નક્કી સમયે જમવું એટલું જ જરૂરી છે. મીઠું ઉપરથી લેવું જ નહીં. એકસાથે વધુ જમી લેવા કરતાં દિવસમાં 3-4 વખત થોડું થોડું જમવાથી લોહીમાં પહોંચતી સુગરને કાબૂ કરવાનું સરળ બને છે.

રાત્રે બને એટલો હળવો ખોરાક લેવો જેમ કે, લો કાર્બવાળા ઘઉના બિસ્કુટ, માઇક્રોવેવમાં બનાવેલા પોપકોર્ન કે ખાંડ નાખ્યા વગરનું ગરમ કોકો ડ્રિંક, પિસ્તા પણ ખાઈ શકે.

આટલું કરવાથી લોહિમાની સુગર કાબુમાં રહેશે. જવાબ છે – મોટાભાગે હા અને ક્યારેક ના પણ રહે.

તમે જોયું હશે કે ઘણા લોકોને અચાનક સુગર વધી કે ઘટી જવાની તકલીફ થતી હોય છે. આવું ક્યારે થાય?

  • સીઝન બદલાય – અચાનક ગરમી વધુ પડે અથવા ઠંડી
  • મગજમાં તાણ બોલે તો સ્ટ્રેસ થાય
  • કોઈક બીમારી શરીરને લાગુ પડે
  • ઇન્ફેકશન થાય, શરદી કે ફ્લૂ થાય
  • કસરત ઓછી થઈ ગઈ હોય
  • જમવાનો સમય અનિયમિત થયો હોય, ઘણી બધી વખત
  • પૂરતી ઊંઘ ના લેવાતી હોય
  • પાણી ઓછું પીવામાં આવતું હોય તો – જેટલી સુગર લોહીમાં હોય એનું પ્રમાણ લોહીના જથ્થાના પ્રમાણમાં વધી જાય પરિણામે પેસાબ વધુ થાય અને લોહીમાં રહેલું પાણી હજી ઓછું થાય..સુગર ઓર વધે

પહેલા તો સુગર કાબુમાં છે કે નહિ એ જાણવાનો એક જ રસ્તો હતો – લેબમાં જઈને તપાસ કરાવવાનો. હવે ઘરે જાતે ટેસ્ટ કરી શકો એવી સરળ કીટસ ઉપલબ્ધ થઈ છે. જેના ઉપયોગ વળે લોહીમાં રહેલી સુગર માપીને એ પ્રમાણે ઇન્સ્યુલીન લઈ શકાય.

સુગર માપતા પહેલા હાથ સ્વચ્છ કરી લેવા જોઈએ તથા જમ્યા પછી તરત ના માપવું.

આ ઉપરાંત, ડોક્ટરે આપેલી સલાહ મુજબ જરૂરી હોય ત્યારે લેબમાં જઈને સવારે ભૂખ્યા પેટે અને જમ્યા બાદની સુગરની તપાસ કરાવતા રહેવું હિતાવહ છે.

Leave a comment